• સોમવાર, 04 માર્ચ, 2024

વિદેશી નિષ્ણાતો ન કરી શક્યા એ કામ દેશી ખાણિયાઓએ કરી દાખવ્યું

41 શ્રમિકોને નવજીવન આપનારા રેટ હોલ માઇનર્સના જીવન દોહ્યલા છે

દેહરાદૂન, તા. 28 : ઉત્તરકાશીના સિલક્યારાની સુરંગમાં દિવાળીથી દેવદિવાળી સુધી 17 દિવસથી ફસાયેલા 41 શ્રમિકોને હેમખેમ બહાર લવાતા દેશભરમાં જાણે કે માનવતાની દિવાળી ઉજવાઈ રહી છે. જોકે, આ અૉપરેશનમાં વિદેશી નિષ્ણાતો, આધુનિક ટેક્નૉલૉજી અને રાક્ષસી મશીનોને સફળતા ન  મળી, પરંતુ એનો યશ દેશી રેટ હોલ માઇનર્સને આપવો જ પડે. દિવાળીથી આ ટનલમાં ફસાયેલા શ્રમિકો અને આ અૉપરેશનની છેલ્લા સત્તર દિવસથી ચર્ચા હતી. અફસોસની વાત એ છે કે રેટ માઇનિંગ પર પ્રતિબંધ હોવાથી રેટ માઇનર્સની જિંદગી દર્દભરેલી છે. 

છેલ્લા સત્તર દિવસથી ટનલમાંથી શ્રમિકોને બહાર લાવવાના અૉપરેશનમાં દેશની તમામ રાહત અને બચાવ એજન્સીઓ રાત-દિવસ એક કરી રહી હતી. અૉગર મશીન અને વિદેશી નિષ્ણાતોની મદદ પણ લેવાઈ... છતાં સફળતા હાથવેંત છેટી રહી હતી અને રાક્ષસી મશીનો પણ તૂટી ગયાં હતાં. આખરે શ્રમિકોને બહાર લાવવા નવેસરથી વિચારણા કરાઈ અને દેશની સેનાની મદદ અને દેખરેખમાં લગભગ ચોવીસ કલાકમાં જ રેટ માઇનર્સ તમામ 41 શ્રમિકોને હેમખેમ બહાર લવાયા. એનડીઆરએફ અને એસડીઆરએફ તેમ જ આરોગ્ય વિભાગના અને એન્જિનિયરો સહિતના સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓની મહેનત પણ તનતોડ રહી. 

મળતી માહિતી પ્રમાણે ચોવીસ કલાકમાં માત્ર છ રેટ હોલ માઇનર્સની કામગીરીથી ટનલમાં ફસાયેલા મજૂરો સુધી પહોંચવામાં સફળતા મળી હતી. રેટ માઇનર્સ એટલે ઉંદરની જેમ ખાણકામમાં નિષ્ણાત મજૂર. આજે ભલે આ માઇનર્સ દેશમાં હીરો તરીકે વિખ્યાત થયા છે, પરંતુ એમની જિંદગી ખૂબ જ દુષ્કર છે. આ માઇનર્સ પોતાના જીવના જોખમે ડુંગરોમાં દર કે સુરંગ બનાવે છે અને મજૂરી પેટે એમને ખૂબ જ ઓછી રકમ મળે છે. આનું કારણ એ છે કે ટેક્નૉલૉજીના યુગમાં ગેરકાયદે ખાણકામમાં આવા રેટ માઇનર્સને ઓછા મહેનતાણાથી જોંતરવામાં આવે છે અને એમાં જો એમનું મૃત્યુ થાય તો વળતર તો દૂરની વાત છે એની કોઈ નોંધ પણ નથી લેવાતી. 

ડુંગરોમાં ગેરકાયદે ખાણકામ મોટા ભાગે મધરાત બાદ ચાલતું હોય છે એથી આવા મજૂરોને રાતના અંધારામાં ખૂબ જ સાંકડી જગ્યામાં સૂતા સૂતા જ કે બેઠા બેઠા હાથની મદદથી ઉંદરની જેમ સુરંગ કરીને ખનીજ બહાર લાવવાનું કામ આપવામાં આવે છે. ગેરકાયદે ખાણકામ પર સરકારે કડક નિયંત્રણો લાદ્યા ત્યારથી આ માઇનર્સની હાલત વધુ કફોડી થઈ ગઈ છે. આ માઇનર્સ કોલસાની ખાણોમાં અગાઉ કામ કરતા હતા, પરંતુ ધીમે ધીમે ટેક્નૉલૉજી આવી જતા એમની રોજીરોટી છીનવાઈ અને ગેરકાયદે ખાણકામ પર નિર્ભર થતા ગયા. છતાં પણ પૂર્વોત્તર ભારતના પર્વતીય અને ખાણકામ માટે જાણીતા વિસ્તારોમાં મળીને લગભગ પાંચ હજાર રેટ હોલ માઇનર્સ હોવાનો અંદાજ છે. આ કામ દરમિયાન જો વરસાદ થાય કે મોસમ બગડે તો સુરંગમાં પાણી ભરાઈ જાય ત્યારે એમને બચવાની શક્યતા નહીંવત્ હોય છે. ઉત્તરાખંડમાં પણ આજે વાદળછાયા વાતાવરણમાં આ કામગીરી સંપન્ન થઈ હતી. જોકે, સેના અને અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે જ હતી એથી રેટ માઇનર્સ પર જોખમ નહોતું, પરંતુ સામાન્ય સંજોગોમાં એમને આવો કોઈ જ સહકાર નથી હોતો તેથી તેઓનું જીવન જોખમથી ભરેલું છે.