• સોમવાર, 04 માર્ચ, 2024

નોકરીના બદલામાં લાંચ ભૂતકાળ : મોદી

એક લાખ યુવાનને નિમણૂક આપતા વડા પ્રધાનના પ્રહાર

નવી દિલ્હી, તા. 12 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રોજગાર મેળા હેઠળ 1 લાખથી વધુ લોકોને નિમણૂકપત્ર આપ્યા. લોકસભા ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારનો 12મો અને છેલ્લો રોજગાર મેળો છે. મોદીએ દિલ્હીમાં કર્મયોગી ભવનનો શિલાન્યાસ પણ કર્યો. કેમ્પસ મિશન કર્મયોગી વચ્ચે સહયોગ અને સુમેળને પ્રોત્સાહન આપશે.

કાર્યક્રમને વર્ચ્યુઅલ સંબોધતાં મોદીએ કહ્યું કે, આજે દરેક યુવક જાણે છે કે, જો તેઓ સખત મહેનત કરે તો તે પોતાનું સ્થાન બનાવી શકે છે. 2014થી અમે યુવાનોને વિકાસમાં ભાગીદાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે અગાઉની સરકાર કરતાં 1.5 ટકા વધુ નોકરીઓ આપી છે.

મોદીએ કહ્યું કે, અગાઉ નોકરી માટે જાહેર ખબર આપવાથી લઈને નિમણૂકપત્ર જારી કરવામાં ઘણો સમય લાગતો હતો. વિલંબનો લાભ લઈને લાંચનો ખેલ પણ બેફામ બન્યો હતો, જે આજે ભૂતકાળ બન્યો છે. અમે હવે ભારત સરકારમાં ભરતી પ્રક્રિયાને સંપૂર્ણ પારદર્શક બનાવી છે.

આજે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ છે. દેશમાં સ્ટાર્ટ-અપ્સની સંખ્યા હવે 1.25 લાખની આસપાસ પહોંચી ગઈ છે. આમાં મોટી સંખ્યામાં સ્ટાર્ટ-અપ્સ ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં છે. વખતના બજેટમાં સ્ટાર્ટ-અપ્સને અપાયેલી ટેક્સ છૂટને લંબાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આજે રોજગાર મેળા દ્વારા ભારતીય રેલવેમાં પણ ભરતી કરવામાં આવી રહી છે.

સુધારેલી કનેક્ટિવિટી સાથે, નવી બજારો બનવાનું શરૂ થાય છે અને પ્રવાસન સ્થળોનો વિકાસ થાય છે. સુધારેલી કનેક્ટિવિટી સાથે નવા વ્યવસાયોનું સર્જન થાય છે અને તેનાથી લાખો રોજગારીની તકો ઊભી થાય છે. એટલે કે સારી કનેક્ટિવિટી દેશના વિકાસ પર સીધી અસર કરે છે.

વડાપ્રધાને કહ્યું કે, આજે દિલ્હીમાં એક સંકલિત તાલીમ સંકુલનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે. મને વિશ્વાસ છે કે, નવું તાલીમ સંકુલ અમારી ક્ષમતા નિર્માણ પહેલને વધુ મજબૂત બનાવશે. સરકારે `કર્મયોગી ભારત પોર્ટલ' પણ શરૂ કર્યું છે. પોર્ટલ પર વિવિધ વિષયોને લગતા 800થી વધુ અભ્યાસક્રમ ઉપલબ્ધ છે. અત્યાર સુધીમાં 30 લાખથી વધુ યુઝર્સ પોર્ટલમાં જોડાયા છે.

કેન્દ્ર સરકારના વિભાગો અને રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં જે 1 લાખ યુવાનને નોકરીના પત્રોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, તેમની ભરતી કરવામાં આવી રહી છે, તેમાં મહેસૂલ વિભાગ, ગૃહ મંત્રાલય, ઉચ્ચ શિક્ષણ વિભાગ, અણુ ઊર્જા વિભાગ, સંરક્ષણ મંત્રાલય, નાણાંકીય સેવાઓ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, આદિજાતિ બાબતોનું મંત્રાલય અને રેલવે મંત્રાલયનો સમાવેશ થાય છે.