• સોમવાર, 04 માર્ચ, 2024

નવાઝના નેતૃત્વમાં નવી સરકારની સંભાવના  

પાકિસ્તાનમાં ચૂંટણીનાં સત્તાવાર પરિણામ જાહેર : ઈમરાનની વિપક્ષમાં બેસવાની તૈયારી

ઈસ્લામાબાદ, તા.12 : પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીના 80 કલાક બાદ આખરે ચૂંટણીપંચ (ઈસીપી) સત્તાવાર પરિણામની જાહેરાત કરતાં ખંડિત જનાદેશ બાદ ગઠબંધન સરકાર રચવાનાં ચક્રો ગતિમાન થયાં છે અને મોટાભાગે પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)ના નેતૃત્વમાં સરકાર રચાય તેવી ઉપસી રહેલી સંભાવનાઓ વચ્ચે જેને સૌથી વધુ બેઠક મળી છે તે ઈમરાન ખાનના પક્ષ પીટીઆઈએ વિપક્ષમાં બેસવાનો નિર્ણય કર્યો હોવાનું સ્થાનિક મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું. જોકે પીટીઆઈના સમર્થનમાં અપક્ષ મેદાનમાં ઉતરેલા વિજયી ઉમેદવારો સત્તા તરફ સરકી રહ્યા છે. પાકિસ્તાનની ચૂંટણીને અમાન્ય ઘોષિત કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે ત્યારે રખેવાળ વડાપ્રધાન અનવાર ઉલ હક કાકડે મૌન તોડતાં કહયું હતું કે ચૂંટણીના પરિણામોમાં વિલંબનો અર્થ નથી કે ચૂંટણીમાં ગરબડી કરવામાં આવી છે. વિલંબ ચલાવી શકાય, આતંકવાદી હુમલા નહીં.

દરમ્યાન, ચોવીસ કલાકમાં વધુ બે ઈમરાન સમર્થિત અપક્ષો નવાઝ તરફ ઢળતાં પીએમએલ-એન નવી સરકારનું સુકાન સંભાળે તેવી સંભાવના વધુ ઘેરી બની છે. હજુ પણ વડાપ્રધાન અને પ્રમુખ પદ મુદ્દે બિલાવલના પક્ષ સાથે કોકડું સર્જાયેલું છે પરંતુ મોટાભાગે નવાઝના પક્ષના ફાળે વડાપ્રધાન અને બિલાવલના પક્ષને પ્રમુખ પદ સાથે સરકાર રચાશે તેવો દાવો મીડિયા હેવાલો કરી રહ્યા છે. સૂત્રોએ કહ્યું કે બિલાવલના પક્ષને વડાપ્રધાન પદમાં રસ હોવાથી સત્તાવાર ઘોષણામાં વિલંબ થઈ રહ્યો છે.