• સોમવાર, 04 માર્ચ, 2024

ટેક્સ્ટાઈલ ક્ષેત્રની `ટફ' અને `પાવર ટેક' યોજનાઓ ફરી શરૂ કરવા સર્વે  

અમારા પ્રતિનિધિ તરફથી  

સુરત તા. 11 : કાપડઉદ્યોગની સફળતમ યોજના એટલે ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ(ટફ). છેલ્લા વીસ મહિના કરતાં વધુ સમયથી ટફ યોજના બંધ થતાં અનેક અરજદારો અટવાયા છે. એમ કહેવાય કે ટફ બંધ થતાં કાપડઉદ્યોગમાં નવું રોકાણ આવતું અટક્યું છે. યોજના બંધ થયા બાદ ટફ યોજનાને ફરી ચાલુ કરાવવા માટે કાપડઉદ્યોગના સંગઠનો દ્વારા સતત પ્રયાસો હાથ ધરાયા છે છતાં સરકારમાંથી કોઈ સળવળાટ થયો હતો. પરંતુ સતત રજૂઆતોના પગલે અંતે બંધ યોજનાને શરૂ કરવા માટે કેન્દ્રની ટીમે સર્વે શરૂ આરંભ્યો છે.   

કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રાલયની ટીમે મંત્રા (મેન મેડ ટેક્સટાઇલ રિચર્સ એસોસીએશન) ની મુલાકાત કરી વિગતો મેળવી હતી. ટીમે સચીન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના હોદેદારો સાથે પણ બેઠક કરી હતી.  

સચીન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના સેક્રેટરી મયુર ગોળવાળાએ કહ્યું હતું કે, સર્વે અર્થે પધારેલા ટીમના સભ્યોએ અમને પૂછ્યું હતું કે, ટફ યોજનાનો જેમણે લાભ લીધો છે તેમજ પાવર ટેક યોજનાનો જેમણે લાભ લીધો છે તેમના અનુભવો કેવા રહ્યા છે? યોજનાથી ઉદ્યોગને કેટલો ફાયદો થયો અને યોજના ફરી શરૂ કરવામાં આવે તો કેવા સુધારાનો અમલ કરવો જોઈએ? સહિતના સવાલો કર્યા હતા. બેઠકમાં કેટલાક વિવરોએ ટફ યાજના અને પાવર ટેક યોજનાની ફાઇલો અટકી પડે છે ત્યારે તેને નિર્ધારિત સમય મર્યાદામાં ઉકેલવાનો નિયમ લાગુ કરવાની રજૂઆત કરી હતી. અગાઉ ટફ યોજનામાં ફાઇલો અટવાયાના દાખલા છે. હજુ પણ ક્લીયર થઈ નથી તો નવી યોજના દાખલ થાય તો ફાઇલો ક્લીયર કરવામાં સમય મર્યાદા નક્કી કરવી જોઈએ. 

કેન્દ્રની ટીમમાંથી રિકા ચંદાના, શાહનવાઝખાન, મુકેશ દેસાઈ, રાકેશ કિશોર કોહલી, પ્રવિણ ભાવસાહ આવ્યા હતા. સચીન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાંથી પ્રમુખ નિલેશ લિંબાસિયા, ઉપપ્રમુખ નિલેશ ગામી સહિત વાવિંગ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.  

મંત્રામાં પહોંચેલી ટીમે સર્વે શરૂ કર્યાના સમાચાર વાયુ વેગે ફેલાતા કાપડઉદ્યોગકારોના ચહેરા પર રાહત જોવા મળી છે. છેલ્લા ઘણા સમયથી ઉદ્યોગકારો બંધ પડેલી ટફ યોજના ઉપરાંત પાવર ટેક યોજના ફરી શરૂ કરવાની માગ કરી રહ્યા છે. વર્ષ 2016થી વર્ષમાં 12હજારથી વધુ ઉદ્યોગકારોએ યોજનાનો લાભ લીધો છે. જેનાથી ઉદ્યોગમાં 70 હજાર કરોડથી વધુનું રોકાણ આવ્યું છે.