• રવિવાર, 14 એપ્રિલ, 2024

સ્પીકરના ચુકાદાને પડકારતી ઠાકરે જૂથની અરજીની સુનાવણી સાતમી માર્ચે  

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 1 : મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળના જૂથને સાચી શિવસેના જાહેર કરવાના મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરના ચુકાદાને પડકારતી ઉદ્ધવ ઠાકરે જૂથની અરજીની સુનાવણી સર્વોચ્ચ અદાલતમાં સાતમી માર્ચે થશે.

મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળની બેન્ચ સમક્ષ અરજીની સુનાવણી આજે થવાની હતી. ઠાકરે જૂથ વતીથી વરિષ્ઠ ધારાશાસ્ત્રી કપિલ સિબલે અદાલતને વિનંતી કરી હતી કે કેસની સુનાવણી સાતમી માર્ચે કરવામાં આવે. તે અંગે મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડે જણાવ્યું હતું કે, કેટલાક કેસોની સુનાવણી કરવાની હતી, પણ આજે બેન્ચનો સમય વહેલો પૂરો થવાનો હોવાથી ઠાકરે જૂથની અરજીની સુનાવણી સાતમી માર્ચે કરાશે, એમ મુખ્ય ન્યાયાધીશે ઉમેર્યું હતું.

બેન્ચમાં ન્યાયાધીશો મનોજ મિશ્રા અને જે. બી. પારડીવાલાનો સમાવેશ થાય છે.

કપિલ સિબલે પહેલાં ગત પાંચમી ફેબ્રુઆરી અને 12મી ફેબ્રુઆરીએ અરજીની વહેલી સુનાવણી કરવાની વિનંતી કરી હતી. ઠાકરે જૂથની અરજી પછી સર્વોચ્ચ અદાલતે ગત 22મી જાન્યુઆરીએ મુખ્ય પ્રધાન શિંદે અને અન્ય વિધાનસભ્યોને નોટિસ મોકલી હતી. તે સમયે સર્વોચ્ચ અદાલતે કેસ સુનાવણી માટે બે અઠવાડિયામાં લિસ્ટ ઉપર મૂકવાનો નિર્દેશ આપ્યો હતો.

અહીં ઉલ્લેખનીય છે કે ઠાકરે જૂથે સ્પીકર નાર્વેકરના ચુકાદાને `વિકૃત' અને `કાયદા વિરુદ્ધનો' ગણાવ્યો હતો અને ઉમેર્યું હતું કે પક્ષપલટો કરનારાઓને સજા કરવાને બદલે તેઓને સાચો રાજકીય પક્ષ કહીને નવાજવામાં આવ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ