• સોમવાર, 04 માર્ચ, 2024

સમૃદ્ધિ એક્સ્પ્રેસવે ઉપર અકસ્માતોમાં ઘટાડો થશે

મુંબઈ, તા. 28 : મુંબઈ નાગપુર સમૃદ્ધિ એક્સ્પ્રેસવે ઉપર નિર્ધારિત વેગ મર્યાદા અને ટ્રાફિક નિયમોનાં ઉલ્લંઘન કરનારા ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે મહારાષ્ટ્ર રાજ્ય રોડ વિકાસ નિગમ (એમએસઆરડીસી) દ્વારા કુલ 15 ઇન્ટરસેપ્ટર વાહનો એક્સ્પ્રેસવે પોલીસને સોંપાયા છે. 

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં આ વાહનોને લીલી ઝંડી આપ્યા બાદ હાઇવે પોલીસને સોંપાયા હતા. 701 લાંબા સમૃદ્ધિ એક્સ્પ્રેસવેમાં નાગપુરથી ભારવીર સુધીનો માર્ગ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકી દેવાયો છે. અકસ્માતોમાં ઘટાડો કરવા તેમ જ વાહનવ્યવહારને સુગમ બનાવવા માટે હાઇવે પોલીસે ઇન્ટરસેપ્ટર વાહનોની માગણી કરી હતી. 15 સ્કૉર્પિયો વાહનો ખરીદવામાં આવ્યાં હતાં અને ઇન્ટરસેપ્ટર વાહનો માટે જરૂરી ઉપકરણો નિગમ દ્વારા ખરીદવામાં આવ્યાં હતાં. 

આ હાઇવે ઉપર અત્યાધુનિક સેવા સાથેનાં વાહનો 21, ઇપીસી પેટ્રોલિંગ વાહનો 14, ઍમ્બ્યુલન્સ 21, હાઇવે સુરક્ષા પોલીસ સ્ટેશનો 13, 30 ટનની ક્રેન 13, પ્રવાસીઓની સુરક્ષા માટે 142 સુરક્ષા ગાર્ડ ઉપરાંત હવે 15 ઇન્ટરસેપ્ટર વાહનોનો કાફલો સામેલ કરાયો છે.