• શુક્રવાર, 29 માર્ચ, 2024

ગુજરાત અને મુંબઈ વચ્ચે આજે આઇપીએલનો સેમિ ફાઇનલ મુકાબલો 

ક્વૉલિફાયર-2 મૅચની વિજેતા ટીમ ચેન્નઇ સામે ફાઇનલમાં ટકરાશે: પરાજિત ટીમ બહાર થશે

અમદાવાદ, તા.25: અત્રેના દુનિયાના સૌથી વિશાળ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ પર આવતીકાલ શુક્રવારે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે આઇપીએલ-2023 સિઝનના ફાઇનલમાં પહોંચવા માટેનો મહા મુકાબલો રમાશે. સેમિ ફાઇનલ સમાન ક્વોલીફાયર-2 મેચની વિજેતા ટીમ આ જ સ્ટેડિયમ પર રવિવારે ચેન્નાઇ સુપર કિંગ્સ સામે ટકરાશે. એક તરફ ગુજરાત સામે ખિતાબ જાળવી રાખવાનું દબાણ હશે તો બીજી તરફ તેને હોમ ગ્રાઉન્ડનો ફાયદો મળશે જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ પાછલા મેચમાં અનકેપ્ડ બોલર આકાશ મઘવાલની ઘાતક બોલિંગની મદદથી લખનઉ સામેની 81 રનની મહાજીતથી આત્મવિશ્વાસથી ઓતપ્રોત છે અને પ્લઓફ રાઉન્ડની અનુભવી ટીમ છે.

આકાશ મઘવાલે 4 ઓવરમાં પ રનમાં પ વિકેટ ઝડપીને પ વખતની પૂર્વ ચેમ્પિયન મુંબઈને ફાઇનલ ભણી આગળ ધપાવી છે. બુમરાહ અને આર્ચર જેવા મોટા બોલર વિનાની 81 રનની મુંબઈની જીત ગુજરાત માટે ખતરારૂપ છે. રોહિત શર્માની ટીમ સમયસર તેના શ્રેષ્ઠ ફોર્મમાં રમી રહી છે. કેમરૂન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, ટિમ ડેવિડ મીડલઓર્ડરમાં આક્રમક બેટિંગ કરી રહ્યા છે. જો કે મુંબઈની સમસ્યા ઓપનિંગ છે. અનુભવી કપ્તાન રોહિત શર્મા વર્તમાન સિઝનમાં શ્રેષ્ઠ ફોર્મથી ઘણો દૂર છે. તો યુવા ઇશાન કિશન પણ તેના ઓરિજનલ ટચમાં નથી. જો કે રોહિતને મોટામેચનો બેટધર ગણવામાં આવે છે. આથી ટીમને એક મોટી ઇનિંગની અપેક્ષા બની રહેશે. મુંબઈને ફરી એકવાર આકાશ મઘવાલ પાસેથી ઘાતક બોલિંગની આશા રહેશે. આ ઉપરાંત સ્પિનર પીયૂષ ચાવલા અને બેહરેનડોર્ફ પણ સારા ફોર્મમાં છે. જે મુંબઈ માટે સારી નિશાની છે. 

બીજી તરફ ગુજરાત ટાઇટન્સની બેટિંગ પૂરી સિઝનમાં રનમશીન શુભમન ગિલ આસપાસ રહી છે જ્યારે મીડલ ઓર્ડરમાં વિજય શંકર જવાબદારી સંભાળી રહ્યો છે. કપ્તાન હાર્દિક પંડયા વર્તમાન સિઝનમાં ગુજરાતની કમજોર કડી બની છે. પાછલા કેટલાક મેચથી તે બોલિંગ કરી રહ્યો નથી અને બેટિંગમાં રન કરી રહ્યો નથી. નિર્ણાયક મેચમાં ટીમને કપ્તાન પાસેથી ઓલરાઉન્ડ દેખાવની અપેક્ષા રહેશે. આ ઉપરાંત ડેવિડ મીલર, રાહુલ તેવતિયા, દાસૂન શનાકા પણ જીટી માટે મહત્ત્વના ખેલાડી બની રહેશે. બોલિંગમાં ગુજરાતનો આધાર મોહમ્મદ શમી અને રાશિદ ખાન છે. તેના સાથમાં નૂર અહેમદ છે. 

બન્ને ટીમ આઇપીએલની વર્તમાન સિઝનમાં ત્રીજીવાર ટકરાશે. બન્ને ટીમે એક-એક મેચ જીત્યા છે. હવે આ સેમિ ફાઇનલ સમાન મેચ છે. જેમાં જીતનાર ટીમ ફાઇનલમાં પહોંચશે અને પરાજીત ટીમ બહાર થશે.

ઇ-પેપરના નવા શુલ્ક